રવિવાર, 19 મે, 2013

કેલેન્ડર

[1] ‘પંચાગ’ એટલે શું ?



જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમ પાંચ અંગોની માહિતી આપવામાં આવી હોય એને પંચાગ કહે છે. તે પરથી શુભ-અશુભ મૂહુર્તો, યોગો વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે.




[2] અધિક માસ કેમ આવે ?


ચાંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચાંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચાંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં 10 દિવસ 21 કલાક અને 20 મિનિટ 35 સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને 30 દિવસનો થવા આવે ત્યારે એક ચાંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે. આ વધારેલા માસને અધિક માસ કહે છે.






ચાંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચાંદ્રમાસ 30 દિવસ કરતા નાનો હોવાથી કોઈક વખત આગલા ચાંદ્રમાસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત, ચાંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. આ વર્ષે પ્રથમ જ્યેષ્ઠ અધિક માસ છે.




[3] પંચક અને મડાપંચક એટલે શું ?


કુંભના ચંદ્રથી શરૂ કરીને મીનના ચંદ્ર ઉતરતા સુધીના દિવસોને પંચક કહેવાય. ઘનિષ્ઠા નક્ષત્રથી રેવતી સુધીના નક્ષત્રોને પંચક કહેવામાં આવે છે. નવું મકાન બાંધવું, બળતણ લેવું, અગ્નિદાહદેવો, ઉત્તરક્રિયા કરવી, શૈયાદાન વગેરે તમામ કાર્યો તેમજ દક્ષિણ દિશાની મુસાફરી વગેરે પંચકમાં ન કરવું. વૈશાખ વદમાં જે દિવસે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં આવે છે તે દિવસથી 9 મે દિવસે રોહિણી નક્ષત્રમાં આવે છે. આ નવ દિવસના પંચકને (બાકી આમ તો પંચક 5 દિવસ જ હોય) મડાપંચક એટલે કે ઘનિષ્ઠાવક પણ કહે છે. મડાપંચકમાં પણ શુભ કામ કરવા ઈચ્છનીય નથી.




[4] કમૂરતાં કયા થી કયા સમય દરમિયાન હોય ?


ઘનાર્ક એટલે કે માગશર-પોષ માસમાં ધનુસંક્રાંતિ દરમ્યાન, તેમજ મીનાર્ક એટલે કે ફાગણ-ચૈત્રમાં મીન સંક્રાંતિ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં લગ્ન ઈત્યાદિ માંગલિક કાર્યો માટે અયોગ્ય સમયને કમૂરતાં કહેવામાં આવે છે. મુંબઈ વગેરે પરશુરામક્ષેત્રમાં હોવાથી કમૂરતાંની ગણના કરવાની રહેતી નથી.




[5] ક્યા એવા અત્યંત શુભ દિવસો છે કે જેમાં પંચાગ જોવાની પણ જરૂર રહેતી નથી ?


ખાસ કરીને ચૈત્ર સુદ -1 એટલે કે ગુડીપડવો, અક્ષય તૃતિયા, વિજયાદશમી અને કારતક સુદ-1 (બેસતુ વર્ષ) આ ચાર મુહૂર્તમાં કોઈ પણ કાર્ય કરવા માટે પંચાંગ શુદ્ધિ જોવાની આવશ્યકતા નથી.




[6] વિંછુડો એટલે શું ?


હિન્દુઓમાં વિશાખા નક્ષત્રના અંતની પંદર ઘડીથી જયેષ્ઠા નક્ષત્ર મળીને ત્રણ નક્ષત્ર એટલે સવા બે દિવસનો સમય વિંછુડો કહેવાય છે. આ દિવસોમાં અનુરાધા નક્ષત્રના સમયમાં શુભકાર્ય કરી શકાય છે. ઈસ્લામમાં વિંછુડાને ‘કમરદર અકરબ’ કહેવાય છે. આ વિંછુડાના દિવસો દરમિયાન તેઓ લગ્ન અથવા મુસાફરી કરવાનું યોગ્ય ગણતા નથી.




[7] તિથિ ની રચના કેવી રીતે થાય છે ?


સૂર્ય ચંદ્રનો ભોગ સરખો થાય ત્યારે અમાવાસ્યાનો અંત ગણાય છે. સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વિશેષ ઝડપી હોવાથી સૂર્યથી આગળ ચંદ્ર જાય છે. આમ બંને વચ્ચે બાર અંશ અંતર પડવાને જે કાળ લાગે છે તેને તિથિ કહેવામાં આવે છે. એક ચાંદ્રમાસમાં (360/12 = 30) 30 તિથિ થાય છે. અત્રે ખાસ યાદ રાખવું કે તિથિ બદલાવાનો સમય જુદો જુદો હોય છે, પણ વાર કોઈ દિવસ મધ્યરાત્રીએ બદલાતા નથી. મધ્યરાત્રિએ માત્ર અંગ્રેજી તારીખ જ બદલાય છે. વાર સવારે સૂર્યોદય પછી જ બદલાય છે. જો આજે ગુરૂવાર હોય તો આવતી કાલના સૂર્યોદય પછી જ શુક્રવાર બેસે છે.




[8] નક્ષત્ર એટલે શું ? તે કેટલા છે ?


800 કળાએ 13 અંશ 20 કળાનો એક ભાગ – આ પ્રમાણે નક્ષત્ર મંડળના 27 ભાગ કરી તે પ્રત્યેક નક્ષત્રભાગ અને તે ભાગને ભોગવવામાં ચંદ્રને જે કાળ લાગે છે તેને નક્ષત્ર કહે છે. નક્ષત્ર 27 છે. જેના નામ આ મુજબ છે : અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરા ષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા(શતતારા), પૂર્વભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા અને રેવતી.




[9] યાત્રા-પ્રવાસ માટે કઈ તિથિઓ, નક્ષત્ર અને વાર શુભ ગણાય ?


તીર્થયાત્રા- પરદેશગમનને યાત્રા કહેવાય છે. સુદ 1, 4, 6, 9, 12, 14, 15 અને અમાસ નો ત્યાગ કરવો. અશ્વિની, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી યાત્રા વગેરે માટે શુભ નક્ષત્રો છે. ભરણી, કૃતિકા, આદ્રા, આશ્લેષા, મઘા, સ્વાતિ, ચિત્રા, વિશાખા, પૂ.ભા. અને જન્મનક્ષત્ર ત્યાગવું. બાકીના 9 નક્ષત્રો મધ્યમ છે. સોમ, ગુરુ અને શુક્રવાર શુભ ગણાય.




[10] વર્ષ કેટલા પ્રકારના છે ?


હિન્દુસ્તાનમાં વિક્રમસંવત ત્રણ પ્રકારે છે. ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર માસથી, કચ્છ હાલારમાં અષાઢ માસથી અને ગુજરાત કાઠિયાવાડના પ્રદેશોમાં કારતક માસથી વર્ષ બદલાય છે. મહાવીર સંવત જૈન લોકોમાં હોય છે જે કારતક સુદ 1 થી જ શરૂ થાય છે. અંગ્રેજી પ્રમાણે ઈસ્વીસન જાન્યુઆરી 1 થી શરૂ થાય છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો