શનિવાર, 13 ઑક્ટોબર, 2012

પ્રેરક પ્રસંગ,

ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.
એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્રએને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.
ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ ! એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.
પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરીઅક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણોવખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ પ્રણામ.
ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.
વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું,એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.
પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી.આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે હેલો ! કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો
નોકરે કહ્યું કે : શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ ! પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.
ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એબરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું:

હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મનેશિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.
એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!
કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો.ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો
  ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ?વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ!

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ?


[1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા,

પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી !

[2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે,

પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા.

[3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે,

પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા.

[4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે,

હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે !

[5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય,

પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે.

[6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે,

પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે.

[7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી,

પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ !)

[8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે,

પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે…

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ......

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ...... દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો બાપ પાસે અપેક્ષા રાખે-ક્યારેક હુકમ પણ કરે,જ્યારે દીકરી બાપને મદદ કરે. દીકરી એટલે હૂંફની ગુફા કે જેમાં બેસીને બાપ રાહતનો દમ ખેંચી શકે છે. દીકરો પણ બાપને મદદરૂપ થાય છે, પણ આ મદદરૂપ થવાના ઘણાં કારણો છે. જેમ કે દીકરાની ફરજ, દીકરા અને બાપે સાથે મળીને આર્થિક ઉપાર્જન કરીને ઘર ચલાવવું, કુટુંબ કે સમાજના સભ્યો દીકરાને ટોણો ન મારે, સમાજમાં સારા દેખાવા માટે વગેરે. પણ દીકરી બાપને મદદરૂપ થાય છે તેમાં ઉપરનું એક પણ કારણ નથી. દીકરીને બાપ પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાસરે ગયા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી કે નથી સમાજ કોઈ ટોણો મારવાનો. આમ છતાં સમાજમાં એવા હજારો કુટુંબ જોવા મળે છે કે, જેમાં સાસરે રહીને પણ દીકરી બાપનો હાથ પકડતી હોય, બાપને મદદરૂપ થતી હોય. આ બાબત જ દીકરીની બાપ પ્રત્યેના પ્રેમની નિશાની છે. દીકરી સાસરે ગયા પહેલાં કે પછી પણ બાપનો સતત વિચાર કરતી હોય છે. તેની મા-બાપ સાથેની લાગણી એવી તો જોડાઈ ગઈ હોય છે કે, દીકરા વગરના બાપને કે બાપથી જુદા રહેતા દીકરાની ગેરહાજરીમાં જરૂર પડે કાંધ પણ આપે છે. જમાનો બદલાય છે, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહે છે. આવી દીકરી ત્યારે જ જન્મતી હોય છે કે જ્યારે તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હોય અને આ ભવમાં પણ તેનો સિલસિલો ચાલુ રાખ્યો હોય. ‘દીકરી એટલે સવાઈ મા.’ માના તમામ સ્વરૂપ દીકરીમાં છે. ઉપરાંત મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે, જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે. માટે જ દીકરીને સવાઈ મા કહેવામાં સહેજ પણ ખોટું નથી. કહેવત છે કે, ‘મા વિના સૂનો સંસાર’, તો કહી શકાય કે, ‘દીકરી વિના અધૂરો સંસાર.’ એટલે કે, જે બાપને માત્ર દીકરો જ છે, તેનું જીવન અધૂરું જ ગણાય. સંસારમાં રહીને સાચો પ્રેમ પારખવો હોય અને ચાખવો હોય તો દીકરીના બાપ બનવું પડે. આવા દીકરીના બાપ નસીબદાર વ્યક્તિ જ બની શકે. જેને પોતાની દીકરી નથી તે બાપે આ સંસારમાં રહીને કશુંક ખૂબ જ મોટું ગુમાવ્યું છે, પણ આ વાતનો ખ્યાલ દીકરી વિહોણા કમનસીબ બાપને નહીં આવે. તેનો અનુભવ કરવા સદ્નસીબ હોવું જોઈએ અને સદ્નસીબ બનવા દીકરીના બાપ બનવું પડે ! દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે, તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આમ જોતાં... મા વિનાની દીકરી અધૂરી છે, તો દીકરી વિનાનો બાપ અધૂરો છે. રાજા દશરથ આ રીતે અધૂરા હતા. જો તેમને એક દીકરી હોત તો રામને વનમાં જવું ન પડયું હોત. દીકરીએ દશરથને ખખડાવીને કહ્યું હોત કે, રામને વનમાં જવાની જરૂર નથી અને દશરથ રાજાની હિંમત હતી કે દીકરીના વેણને ઉથાપે ? અરે, દીકરી એ તો દીકરી છે. દુનિયાના કોઈ પણ બાપને ખખડાવવાનો અને ધાર્યું કરાવવાનો હક માત્ર દીકરીને જ છે. આ જગતની એક પણ એવી દીકરી નહીં હોય કે, જેણે તેના બાપને સાચવ્યો ન હોય. પોતે ઉંમરમાં નાની હોય છે, પણ સમજમાં મોટી હોય છે. પોતે ભૂખી રહીને બાપને પહેલાં ખવડાવનાર આ દીકરી પાછળ લાખો રૂપિયાનો કરિયાવર પણ નાનો જ પડે. પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલાં માને પૂછે છે કે, પપ્પા માટે આ વાનગી રાખી છે ને ? રાત્રે પોતે પથારીમાં સૂઈ જઈને બાપને પલંગ કે ખાટલામાં સૂવાડતી આ દીકરીનો ઓરતો કયા બાપને ન આવે ? અડધી રાત્રે ઊઠીને પણ પપ્પા ઓઢીને સૂઈ ગયા છે કે કેમ તેની ખાતરી કરતાં કોઈ દીકરીની ઊંઘ ઊડી ગઈ હોય તેવું આજદિન સુધી સાંભળ્યું નથી. દીકરી પોતાના ખર્ચમાં કાપ મૂકીને બાપની આવકમાં ઘર ચલાવવામાં માને મદદ કરતી હોય છે, જેથી બાપ હળવાશથી સૂઈ જાય. બાપના દરેક સવાલનો તેની પાસે એક જ જવાબ હોય છે, “ચાલશે, ભાવશે અને ફાવશે.” ક્યારેય કોઈ માગણી નહીં,માત્ર લાગણી જ. સતત લાગણીથી નીતરતી દીકરી સાથે એક જ થાળીમાં ખાવાનું દરેક બાપના નસીબમાં નથી હોતું. જો દીકરી મોટી થયા પછી તેની સાથે એક થાળીમાં ખાય તો તે સંભારણું બની જતું હોય છે. બાપ જ્યાં વાપરવાનું કહેતો હોય છે, ત્યાં દીકરી બચાવવાનું કહેતી હોય છે. બાપના ખર્ચ પર સૌથી વધારે કાપ મૂકવાની શરૂઆત દીકરી તરફથી જ થતી હોય છે અને બાપ માટે કોઈ વસ્તુ લાવવાની શરૂઆત પણ દીકરી તરફથી જ થતી હોય છે. બીમારીમાં સપડાયેલ બાપની ચાકરી માટે જ દીકરીનું સર્જન થયું હશે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી જ. એક દીકરા માટે મા જેટલું કરી શકે તેના કરતાં પણ ઓછા સમયમાં દીકરી વધુ કરી જાય છે. મા સાથે દીકરો સાઠ-સિત્તેર વર્ષ રહે છે, જ્યારે બાપ સાથે દીકરી એકવીસથી પચીસ વર્ષ રહે છે. છતાં માના મનમાં દીકરા માટે જેટલા આદર, ભાવના, લાગણી હોય છે તેટલી જ કે તેનાથી પણ વધારે માંડ પચીસ વર્ષ રહેતી દીકરીના મનમાં બાપ માટે હોય છે. તે જ દીકરીની ખરી ખાનદાની છે. બાપને સાચવવામાં અવ્વલ રહેતી દીકરી જરૂર પડે તો બાપને ખખડાવવામાં પણ અવ્વલ રહે છે. કોઈ પણ કુટુંબમાં બાપને ખખડાવવાનો અધિકાર મોટાભાગે દીકરી પાસે જ હોય છે. ચૂપ થાઓ તેમ બાપને ઘરમાં માત્ર દીકરી જ કહી શકતી હોય છે. છતાં બાપની તાકાત નથી કે, તે દીકરીની સામે ગુસ્સાથી બોલી શકે. આ બાબત જ દીકરીને સવાઈ કરે છે. આ દુનિયાનો જે બાપ દીકરીથી ખખડયો ન હોય તેણે ઘણું ગુમાવ્યું છે. એટલું જ નહીં, આવા બાપને લાગણી એટલે શું તે અનુભવવામાં સમય લાગશે. ઓફિસમાં સેવકો કે કર્મચારીને ખખડાવતો બાપ નાની છોકરી સામે ચૂપ કેમ રહે છે ? આટલું જ વિચારજો અને જવાબ શોધજો એટલે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હોય છે તેનું જ્ઞાાન આવશે. અને હા... જો અનુભવ લેવો હોય તો દીકરીના બાપ બનવું પડે અને દીકરીથી ખખડવું પડે. ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડવા નથી દેતી તે તેની વિશેષતા છે. પોતાના બાપ વિરુદ્ધનું એક પણ વાક્ય સાંભળવા દીકરી ક્યારેય તૈયાર હોતી નથી. તેના મતે તો મારો બાપ જ સાચો અને સર્વશ્રેષ્ઠ. સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય ? જવાબ સરળ જ છે. જેની દીકરી સુખી તે બાપ સુખી. તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે કે, જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી. દીકરી બાપને ઘરે-પિયરમાં હોય ત્યારે એક કહેવત છે : “દીકરી એટલે પારકી થાપણ.” આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો. આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયાં તેને ‘પારકી જણી’ પણ કહેતાં હોય છે. આમ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં. કેવો લુચ્ચો સમાજ ! હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર નથી મૂકી શકતો. દીકરી વગરના કમનસીબ બાપને દસ મિનિટ માટે સદ્નસીબ બનવા માટેની એક ચાવી... કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય ? આનંદિત થઈ શકાય ? હા... સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો,આંસુ સાથે આનંદનો પ્રસંગ ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે. કેટલાક વિધાનો વિચારજો... કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે, કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે, ભાઈ માત્ર અંગૂઠો જ નહીં, મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે ????? દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે,
દીકરાને નહીં.
(કેળવણીના કિનારે)- ડો. અશોક પટેલ

શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012

jokes

પોલીસ (રાકેશને) : અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.
રાકેશ : ‘સાહેબઆપની બાતમી એકદમ બરાબર છેપરંતુ હમણાં તે પિયર ગઈ છે !’
**********
હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.
 ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’
વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’
**********
રામુ શાકભાજી લેવા ગયો  સમયે શાકભાજીવાળો ભાજી પર પાણી છાંટી રહ્યો હતો.
ઘણીવાર થઈ.
રામુ કંટાળ્યો. અંતે તે રાહ જોઈને થાક્યો અને બોલ્યો : ‘ શાકભાજીવાળાભાજી ભાનમાં આવી હોય તો એક કિલો તોલી આપ !’
**********
શિક્ષક : ‘બોલ રામુઅકબર કોણ હતો ?’
રામુ : ‘મને ખબર નથી સાહેબ.
શિક્ષક : ‘ડોબાભણવામાં ધ્યાન રાખે તો ખબર પડે ને ?’
રામુ : ‘પણ સાહેબતમને ખબર છે કે મુકેશ કોણ છે ?’
શિક્ષક : ‘ના વળી કોણ છે ?’
રામુ : ‘દીકરી તરફ ધ્યાન રાખો તો ખબર પડે ને ?’
**********
રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.
કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણઅમારી દીકરી તો હજુ ભણે છે.
રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.
**********
સંતાસિંહ : ‘બંતાજલ્દી બારીમાંથી કૂદી જાપોલીસ આવી રહી છે.
બંતાસિંહ : ‘અરે પણ  તો 13મો માળ છે.
સંતાસિંહ : ‘13મો તો 13મો. અત્યારે શુકન-અપશુકન જોવાનો સમય નથીજલ્દી કર…’
**********
ઈન્દ્રદેવ : ‘શું કરે છે ભાઈ ?’
યમરાજા : ‘કંઈ નહિ બાપાનવરો બેઠો છું.
ઈન્દ્રદેવ : ‘તો જા….પાન લઈ આવ….’
(
થોડીવાર પછી…)
ઈન્દ્રદેવ : ‘અરે શું છે ? કોણ છે  બધા ?’
યમરાજા : ‘તમે  તો કીધું હતું કે જાપાન લઈ આવ…..’
**********
છોકરી : ‘છોકરો કેવો છે ?’
પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.
છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’
પંડિત : ‘પિપલી-લાઈવ !’
**********
પિતા : ‘બેટા વર્ષે તારે 95% લાવવાના છે !’
પુત્ર : ‘ના પપ્પાહું  વર્ષે 100% લાવીશ !’
પિતા : ‘બેટાવાતની મજાક  ઉડાવ.
પુત્ર : ‘પપ્પાતમે  તો શરૂઆત કરી.
**********
હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ  સર્વે નિષ્ફળ રહ્યો. કારણ કે,
આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ?   ખબર નોતી.
ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નોતી.
યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નોતી.
ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નોતી.
ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેન  ખબર નોતી.
અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે  ખબર નોતી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?
**********
બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા :
શું બેટા આપણી સંસ્કૃતિ છે ?’
છોકરાએ કહ્યું : ‘ના અંકલ તો જોશીકાકાની પલ્લવી છે !’
**********
દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી ?
 સત્ય  છે કે લોકો સતત   શોધ્યા કરે છે કે સાલુંબીજાને સુખ કેવી રીતે મળી ગયું ?
**********
સન 2025નું એક દશ્ય :
ભિખારી : ‘ભગવાનના નામ પર કંઈક આપો…’
માણસ : ‘લેમારી એમ.બી.એ.ની ડિગ્રી લઈ જા…’
ભિખારી : ‘અબે જા જાતારે જોઈએ તો મારી સી.એ.ની ડિગ્રી લઈ જા ને !’
**********
બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’
તરત  સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે  બંડલ ?’
બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીંમને  રબરબેન્ડ મળ્યું છે !’

hasay

ભૂલો ભલે બીજું બધું ,
ઘરવાળી ને ભૂલશો નહીં
અગણિત ઉપકાર છે એનાં
એ કદી ભૂલશો નહીં ‘
મિસ્સ કોલ કરી હેરાન કરે
અને રોજ પૂછે ક્યાં છો તમે ?
એવા મિસ્સ કોલ માટે ‘
તમેસામે ફોન કદી કરશો નહીં ,
પૈઈસા ખરચતા બધું મળશે
તો આવી બલા માં પડશો નહીં ,
અગણિત નુકશાન છે એનાં ,
એ કદી ભૂલશો નહીં.

jokes

1..

અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે તણાવ ફ્રી રહેવા માટે 'ઓલ ઇઝ વેલ' જેવા શબ્દો પોતાની જાતને કહીંએ તો મનને રાહત મળે છે, પરંતુ ભુરાએ એક નવી સ્ટાઇલ જણાવી છે.

ભુરાના મતે જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે પોતાની આંખોને બંધ કરવી અને કાઠિયાવાડી સ્ટાઇલમાં જોરથી બોલવું 'તેલ પીવા ગયું, મોજ કરને ભાઇ'
2...ભુરો- યાર, આજે સિંહનો શિકાર કરવા જવું હતું પણ જઇ ન શક્યો.

પપ્પુ- કેમ?

ભુરો- અરે, આ બાજૂમાં ચંદુ રહે છે ને, તેનો કુતરો દરવાજાની બહાર ઉભો હતો.

3....પત્ની- જો તમારા વાળ આ જ રીતે ખરતાં રહેશે તો હું તમને છોડીને જતી રહીશ

પતિ- ઓહ, હું પણ કેટલો ગાંડો છું કે ખરતાં વાળને રોકવા માટે ટ્રીટમેન્ટ લઇ રહ્યો છું.

4...કંજૂસ દરજીને બોલ્યો- પેન્ટ સીવવાના કેટલા લેશો?

દરજી- 200 રૂપિયા

કંજૂસ- અને હાફ પેન્ટ સીવવાના?

દરજી- 100 રૂપિયા

કંજૂસ- ઓકે, તો આ રહ્યું કાપડ, હાફ પેન્ટ સીવજો પણ તેની લંબાઇ એડી સુધીની રાખજો

6.......ફાંસી આપતા પહેલાં જેલરે પપ્પુને પૂછ્યું- બોલ, તારી અંતિમ ઇચ્છા શું છે?

પપ્પુ- મારું માથુ નીચે અને પગ ઉપર રાખીને ફાંસી આપો.

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

જિંદગી

લગાતાર મળતું ભલે રેત જેવું, હજી ઝાંઝવાંમાં ય છે ભેજ જેવું,
કરે શું સમયને સમયથી અલગ એ, હશે જ્યાં સુધી આપણું એક જેવું.
-ધૂની માંડલિયા

કોઈ માણસ એવો નહીં હોય, જે જિંદગીમાં ક્યારેય હતાશ, નિરાશ કે ઉદાસ ન થયો હોય. દરેકની જિંદગીમાં નબળી અને અઘરી પરિસ્થિતિઓ આવતી જ રહે છે. જિંદગીમાં અનેક વખતે એવું બને છે જે આપણને હચમચાવી અને ડગમગાવી નાખે છે. ભીનું કાપડ સુકાતું હોય છે પણ તેને પાણીની ડોલમાંથી બહાર કાઢીને દોરી પર સૂકવવા મૂકવું પડે છે. ડોલમાં જ પડયું રહે તો એ ક્યારેય સુકાય નહીં. કપડું સુકાવવા માટે આપણે ડોલમાં ભરાયેલું પાણી સુકાવાની રાહ ન જોઈ શકીએ. કંઈક એવું જ આપણી હતાશાનું છે. હતાશા આપણી અંદર હોય છે, તેને આપણે જ બહાર કાઢી ખંખેરી નાખવી પડે છે.

દરેક માણસને પોતાની હતાશા મોટી અને આકરી લાગે છે. દરેકને એમાંથી બહાર પણ નીકળવું હોય છે. કોઈ વહેલા કે કોઈ થોડા મોડા તેમાંથી બહાર નીકળી જ જાય છે. હતાશા જો લાંબી ચાલે તો જોખમી બની જાય છે. ડિપ્રેશન અને આત્મહત્યાનું કારણ નાની મોટી હતાશા જ હોય છે. આપણે હાઇ-વે પર જતાં હોઈએ ત્યારે બોર્ડ આવે છે કે સાવધાન, આગળ ખતરો છે. આ બોર્ડ વાંચીને આપણે સાવધાન થઈ જઈએ છીએ. હતાશા આપણી જિંદગીમાં બોર્ડ મારીને આવતી નથી, એને તો આપણે જ પકડી પાડવાની અને સમજી લેવાની જરૂર હોય છે. જો સમયસર સાવધાન ન થઈએ તો અકસ્માત નક્કી હોય છે.

દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈ હતાશા કાયમી હોતી નથી. હતાશા જવા માટે જ આવી હોય છે. જો તમે એને નહીં છોડો તો એ તમને પકડી રાખશે. આપણાં શરીર ઉપર કોઈ જીવડું ચોંટી જાય ત્યારે આપણે કેવો ઝાટકો મારીને તેને ખંખેરી નાખીએ છીએ? આપણને ખબર હોય છે કે જો આપણે આ જીવડાને ઉખેડીને ફેંકી નહીં દઈએ તો એ આપણને કરડી જશે. હતાશા એ એક એવું જીવડું છે જે દેખાતું નથી, છતાં તે આપણી આખી જાતનો કબજો લઈ લે છે, પતી ગયું હવે હું કંઈ જ નહીં કરી શકું, મારી કલ્પનાશક્તિ ખતમ થઈ ગઈ છે, મને કોઈ સારા અને ક્રિએટિવ વિચારો જ આવતાં નથી, બધું જ અંધકારમય બની ગયું છે. જિંદગીમાં હવે જીવવા જેવું કંઈ જ નથી... આ અને આવા વિચારો આવવા લાગે છે. જો તમે આવા વિચારોને ન ખંખેરો તો એ ઘૂંટાતા જાય છે. નિરાશા ઉપર એક પછી એક પડ ચડતું જાય છે અને એક તબક્કો એવો આવે છે કે તમે એ જ કોચલામાં ગૂંગળાઈ જાવ છો. પહેલું જ પડ જો તમે ઉખેડી લો તો આરામથી બહાર નીકળી શકાય છે.

માણસ હતાશ કે ઉદાસ થાય ત્યારે તેને ખબર હોય છે કે હું મજામાં નથી, મને ક્યાંય ગમતું નથી. આવા સમયમાં એ કાં તો સાવ ચૂપ થઈ જાય છે અને કાં તો એકદમ ગુસ્સાવાળો બની જાય છે. ઘણા માણસોને તો ખબર પણ હોય છે કે પોતે ડિપ્રેશનમાં છે. જો એ ખબર હોય તો પછી એ માટે મનને તૈયાર કરો કે મારે આ હતાશામાંથી બહાર નીકળવું છે.

માણસ હતાશ થાય ત્યારે એને આપણે કોઈ ડાહ્યી વ્યક્તિ પાસે લઈ જઈએ છીએ. ઘણી વખત પુસ્તકો દ્વારા પ્રેરણા પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ. એ બધી જ વાત સાચી અને સારી છે. પણ સૌથી મહત્ત્વની વાત તો એ જ છે કે અંતે તો માણસે પોતે જ પોતાની હતાશામાંથી બહાર આવવું પડે છે. પાઈપમાં કચરો ભરાઈ ગયો હોય તો સળિયાથી આપણે તેને ધક્કો મારીએ છીએ, એવું જ બધું બહારના પ્રયાસોથી થાય છે. અંદરથી તો માણસે પોતાની જાતે જ બહાર નીકળવું પડે છે. કોઈ પણ ફિલોસોફર હોય એ એવી વાત કહે છે કે આ રીતે સુખી થવાય, આ રીતે વિકાસ કરી શકાય, પણ જો તમારી તૈયારી ન હોય તો તમને કોઈ સુખી ન કરી શકે. સૌથી પહેલાં તો આપણે જ નક્કી કરવાનું હોય છે કે મારે સુખી અને સાજા થવું છે.

હા, દરેક સાથ, દરેક શબ્દ, દરેક સ્પર્શ, દરેક સંવેદના, દરેક હૂંફ બહુ અસર કરે છે. પોતાની વ્યક્તિ આપણી હતાશા દૂર કરવા દરેક પ્રયત્ન કરી જુએ છે પણ તેની અસર જ ન થાય તો? દરેક શબ્દ માત્ર કાનથી જ પછડાઈને પાછો ફરી જાય તો? પોતાની વ્યક્તિનો સ્પર્શ આપણને સ્પર્શે જ નહીં તો? પથ્થરને ચુંબન કરવાથી પથ્થર સળવળતો નથી. આપણે સૌથી પહેલાં આપણામાં જામી ગયેલા પથ્થરને તોડી નાખવો પડે છે.

સારા સમયમાં તો દરેક માણસ સશક્ત અને મજબૂત હોય છે. માણસનું મનોબળ કેવું છે એની કસોટી ત્યારે જ થાય છે જ્યારે એ ખરાબ સમય, સંજોગો અને સ્થિતિમાંથી બહાર નીકળી બતાવે. યાદ રાખો કે હતાશા ક્યારેક તો ત્રાટકવાની જ છે અને આપણે તેને હાંકી કાઢવાની જ છે. કોઈ પણ મહાન માણસનું જીવન જોઈ લ્યો એ ક્યારેક તો હતાશ થયા જ હશે, એ મહાન એટલા માટે જ થયા કે તેણે હતાશાને નિષ્ફળતામાં તબદિલ થવા ન દીધી. વર્લ્ડના બેસ્ટ પ્લેયરમાં બાસ્કેટબોલ ખેલાડી માઈકલ જોર્ડનની ગણના થાય છે. માઈકલ જોર્ડન હાઈસ્કૂલમાં હતા ત્યારે તેને બાસ્કેટબોલની ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ટીમમાં તેને સામેલ નથી કરાયા તેની જ્યારે માઈકલને ખબર પડી ત્યારે એ દોડીને ઘરે આવ્યા. પોતાના રૂમમાં પુરાઈને એ ધ્રૂસકે ધ્રૂસકે રડયા હતા. રડવાનું પૂરું થયું પછી તેણે નક્કી કર્યું કે હું આમાથી બહાર આવીશ. જો માઈકલ જોર્ડને રડયા જ રાખ્યું હોત તો?

માણસ ક્યારે હતાશ થાય છે? નિષ્ફળતા મળે ત્યારે, નોકરી ગુમાવે ત્યારે, નોકરીમાં ઠપકો મળે કે નીચી પાયરીએ ઉતારી મુકાય ત્યારે, ધંધામાં ખોટ જાય ત્યારે કે ભણવામાં નાપાસ થાય ત્યારે માણસ હતાશ થાય છે. જોકે સૌથી મોટી હતાશા સંબંધો તૂટે કે કોઈનો હાથ છૂટે ત્યારે થાય છે. જેને પોતાની વ્યક્તિ સમજતાં હોઈએ અને જેને જિંદગીની સૌથી મોટી અમાનત સમજતા હોઈએ એ વ્યક્તિ જ્યારે ડીચ કરે ત્યારે સૌથી અઘરી પરિસ્થિતિ હોય છે. આવા સમયે પણ એક વાત યાદ રાખો કે કોઈ વ્યક્તિ જિંદગીની અંતિમ વ્યક્તિ હોતી નથી. કોઈ સંબંધ પૂરો થવાથી જિંદગીનું પૂર્ણવિરામ આવી જતું નથી. આવું થાય ત્યારે વિચારો કે આ પણ એક દૌર છે જે પસાર થઈ જવાનો છે. હા, એ સહેલું નથી, સહેલું હોત તો આટલું આકરું થોડું લાગત? જિંદગીમાં બધું જ પૂરું થઈ ગયું હોય એવું લાગવા માંડે છે. કોઈ વાતમાં મજા નથી આવતી. જે વસ્તુ કે વાતાવરણથી આપણે નાચી ઊઠતા હતા એની જ કોઈ અસર થતી નથી. જોકે એ સમય પણ પસાર થઈ જવાનો હોય છે. આપણે આપણી જાતને બસ થોડો સમય સંભાળી રાખવાની હોય છે.

બ્રેકઅપ , ડિવોર્સ, દગો, વિશ્વાસઘાત જેવું કંઈ થાય ત્યારે માણસ તૂટી જાય છે. આ બધાની અસર તો થવાની જ છે. એ અસર જ આપણને સમજાવે છે કે આપણે માણસ છીએ. આપણને સુખ સ્પર્શે છે તો દુઃખ પણ અસર કરે જ છે. દુઃખ પણ આપણી સંવેદનાનો જ એક ભાગ છે. પણ આવા દુઃખને પંપાળે રાખવાનું પરિણામ જીવલેણ હોય છે. માણસે આખરે તો જીવવાનું હોય છે. આપણે ઘણી વખત એક વ્યક્તિને ખૂબ જ મહત્ત્વની સમજી લઈએ છીએ અને એ દૂર થાય ત્યારે તૂટી જઈએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી જિંદગી સાથે એના સિવાયની અનેક જિંદગીઓ પણ જોડાયેલી હોય છે.

જિંદગીને માત્ર મર્યાદિત નજરથી ન જુઓ, કોઈ પર્વત ઝરણાંને રોકી નથી શકતો. એવી જ રીતે કોઈ હતાશા જિંદગીને અટકાવી શકતી નથી. તમારી જાતને કોઈ સંજોગોમાં નબળી ન પડવા દો. તમે જ તમારો સૌથી મોટો આધાર છો. હા, તમારી વ્યક્તિ, તેની હૂંફ, તેની સાંત્વના અને તેના શબ્દોની કદર કરો, એ તમને ચાહે છે અને તમારા દુઃખ અને હતાશાની તેને ખબર અને અસર છે. તમારે એમના માટે અને તમારા માટે હતાશામાંથી બહાર આવવાનું છે. બને ત્યાં સુધી તો એવું જ વિચારો કે આપણે હતાશાને આપણા ઉપર હાવી થવા નથી દેવી. જોકે, ઘણી વાર આપણી જાણબહાર એ ચડી આવે છે, આપણું કંઈ ચાલતું નથી. આવા સંજોગોમાં તમે જ તમારી જાતને બહાર કાઢી શકો. તમારી તાકાતને ઓળખો, તમે કરેલા કામને અને તમને મળેલી સફળતાને યાદ કરો, તમે જરાયે ઊતરતાં અને કોઈથી કમ નથી. બધી જ હતાશા, નિરાશા અને ઉદાસીને ખંખેરી નાખો. જિંદગી તમારી રાહ જોઈને બેઠી છે. તમે દસ્તક તો આપો એ તમને તરત જ ગળે વળગાડી દેશે. હાસ્ય, આનંદ અને સુખ હંમેશાં આપણી નજીક જ હોય છે, તમે એનાથી દૂર ન ભાગો... નજર ફેરવો એ હાજર જ છે.

છેલ્લો સીન :
માણસ દુઃખી છે, કારણ કે તે એવી વસ્તુઓની કામનાથી ભરપૂર છે, જે ટકી શકતી નથી.

પોસ્ટ બાય :ગીરીશભાઈ