રવિવાર, 5 ઑગસ્ટ, 2012

મિત્રતા

'ફ્રેન્ડશીપ ડે' આવે અને લોકો સફાળા જાગે...કે..ચાલો ચાલો મિત્રો ને યાદ કરી લઇએ.
અને પછી તો એસ.એમ.એસ. , ફોટોઝ, કાર્ડ્સ , સોન્ગ્સ ..માંડે ઝીંકવા !
ક્યારેક તો એમ થાય..કે સાલ્લુ..મને તો ખબર પણ નથી કે મારે આવા આવા પ્રેમાળ મિત્રો છે !

ચાલો એક પ્રયાસ..મૈત્રી એટલે શું ?
...

-મૈત્રી એટલે ત્રિપરિમાણીય દ્રશ્ય.

-મૈત્રી એટલે સિંહ ની ડણક.

-મૈત્રી એટલે ગુલાબ નું ફુલ. (રંગ સુગંધ નાં દબદબા સાથે કાંટા ની સૌગાત )

-મૈત્રી એટલે અષાઢ ની હેલી. ( ગરજતી જાય અને વરસતી જાય )

-મૈત્રી એટલે ઘૂઘવતા દરિયા માં વિલીન થતી નદી નો વૈભવ.

-મૈત્રી એટલે રાવણહથ્થો નહી...જે હું હું કરે, મૈત્રી એટલે તંબુરો...જે..તું તું કરે.

-મૈત્રી એટલે કૂકડા ની બાંગ નહી જે સૂરજ સાથે આવે ,
પણ મૈત્રી એટલે તમરાં નો તમરાટ જે ઉદાસ રાતો ની નિઃસીમ એકલતા માં સાથ આપે .

-મૈત્રી એ વરઘોડા માં પ્રગટ થતો ઉન્માદ નથી,
પણ સ્મશાન ની રાખ માં થી અસ્થિ વીણતો હાથ છે.

મિત્રો...શું લાગે છે..? મૈત્રી એ ભાદરવા નાં ભીંડા જેવી હોય ? કે બે છાંટા પડ્યા નથી ને ફટાફટ ઉગી નથી ! અને પછી ...ધબાય નમઃ ! કોણ હું ને કોણ તું ?? અરે..મૈત્રી તો એક ખૂણાં માં પાંગરતી કોમળ કૂપળ ! ન જાણે કુદરત ની કઇ કરામત થી એનાં બીજ રોપાયા હોય ! એ તો ભર ઉનાળે પણ ઉગી નિકળે.

શું માત્ર એકબીજા ને સતત સારુ લગાડતા. કે વાહવાહી કરતા, કે સતત મળતા હોય એ જ સારા મિત્રો કહેવાય ? ના..

હકીકત આના થી ઉલટી પણ હોઇ શકે છે. એકબીજા સાથે લડતાં, એકબીજા નાં મત નું ખંડન કરતા, વાતે વાતે વાંકુ પાડતા, રિસાતા હોય એ પણ ઉત્તમ મિત્રો હોઇ શકે છે.

ગળચટ્ટા સંબંધો જાળવે એ વહેવાર કહેવાય..મૈત્રી નહી. મિત્ર તો એ છે જે દૂર રહે તોય સાથે જ હોય , લડતો હોય તો પણ પ્રેમ કરતો હોય , સુખ ની ઝરમર માં હાજર ના હોય પણ દુખ નાં ધોમધખતાં સંજોગો માં છાંયડો બની ને હાજર જ હોય.

જ્યારે કોઇ પુછે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ ? ત્યારે જવાબ આપવામાં ગૂંચવાડો થાય..સ્વાભાવિક છે. પણ જ્યારે કોઇ નિર્ણય લેવામાં મુંઝાણા હોય અને સલાહ લેવા પહેલો એસ.એમ.એસ. જેને કરીએ એ બેસ્ટ ફ્રેન્ડ :) કારણ ? સાવ સીધી વાત છે..માંદા પડીએ ત્યારે પહેલી ફરિયાદ પ્રિયજન ને કરાય નહી કે ડોકટર ને ...!

સો વાત ની એક વાત કે...માણસ સામાજીક પ્રાણી હોવાથી એકલો નથી રહી શકતો. એ મિત્ર વગર અધૂરો છે. પ્રેમ કરવા, હસવા, રડવા, લડવા ( અને ...અફકોર્સ કવિતા સંભળાવવા) કમ સે કમ એક ફ્રેન્ડ જરુરી હોતા હૈ....શું કહો છો ?

નવરસ જેવા નવ મિત્રો કરતા...સબરસ જેવો ( નમકીન... યાર ;) :P ) એક મિત્ર સાચવી રાખવા જેવી જણસ છે.

' ખાટાં ,તીખાં , મીઠાં જંગો આપણ વચ્ચે,

પાણીપૂરી શા સંબંધો આપણ વચ્ચે. '
 
posted by:bharat zala



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો