લેબલ બાળગીત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બાળગીત સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 25 જુલાઈ, 2012

કોયલ કૂ કૂ ગાય,

કોયલ કૂ કૂ ગાય, મને ગાવાનું મન થાય
ગાવાનું હું શરૂ કરું ત્યાં, પપ્પા મારા ખીજાય
કોયલ કૂ કૂ ગાય
ચકલી ચણ ચણ ખાય, મને ખાવાનું મન થાય
ખાવાનું હું શરૂ કરું ત્યાં, મમ્મી મારી ખીજાય કોયલ કૂ કૂ ગાય
ઉડતું પતંગિયું જોઈ, મને ઉડવાનું મન મન
ઉડવાનું હું શરૂ કરું ત્યાં, નીચે પડી જવાય
કોયલ કૂ કૂ ગાય
પથારીએ સુતાં , મને કઈ કઈ વિચાર થાય
સુવાનું હું શરૂ કરું ત્યાં, સપને સરી જવાય
કોયલ કૂ કૂ ગાય

ઘોડો ઘૂઘરિયાળો

ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨)
ઘાસ એ ખાય છે ને તાજો માજો થાય છે (૨)
દોડાવું તો દોડે છે ને થોભાવું તો થોભે છે (૨)
એના ઉપર બેસું ત્યારે લાગું હું મૂંછાળો
ઘૂઘરિયાળો (૨)
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨)
રંગે એ કાળો છે પણ દિલનો બહુ રૂપાળો છે (૨)
ચાબૂકનું શું કામ છે ને ચેતક એનું નામ છે (૨)
તડબડ તડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો
ઘૂઘરિયાળો (૨)
ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો (૩) (૨) 

ઢિંગલી તારા માંડવા

ઢિંગલી તારા માંડવા રોપ્યા, ઢોલ વાગે ઢમઢમ

લાલિયો મહરાજ લાડવા વાળે, શાક કરે છમછમ

ઢિંગલી તારા માંડવા

ચાખવા મીનીબેન બેઠા’તા , જીભલડી ચમચમ

પમલો પેલો વાંદરો ફૂંકે, પિપૂડાં પમપમ

ઢિંગલી તારા માંડવા

જૂનાગઢથી જાન આવી છે, જાનડીઓ રૂમઝૂમ

દોડતાં પેહેલાં વેલડાં આવે, ઢોલ વાગે ઢમઢમ

ઢિંગલી તારા માંડવા

ઢિંગલીબાઈના પગમાં ઝાંઝર, ઘૂઘરીઓ ધમધમ

નાકમાં એને નથણી સોહે, કેવી રે ચમચમ

ઢિંગલી તારા માંડવા

ઢિંગલીબાઈ તો સાસરે જાશે, આંસુડાં ટમટમ

લાગશે કેવા ઘરને શેર, સુના રે સમસમ

ઢિંગલી તારા માંડવા


એકડે એક થી દસ

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ

દરિયાને તીર એક રેતીની ઓટલી

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

મંગળવાર, 24 જુલાઈ, 2012

ઘડિયાળ

ઘડીયાળ મારું નાનું તે ચાલે છાનું માનું એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે એને નથી પાંખ પણ ચાલે ફટફટ એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ખાવાનું નહિ માગે પણ ચાવી આપે ચાલે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે અંધારે અજવાળે સૌના વખતને સંભાળે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે દિવસ રાતે ચાલે પણ થાક નહિ લાગે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ટક ટક કરતું બોલે જરા ય નહિ થોભે એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે ઘડીયાળ મારું નાનું તે ચાલે છાનું માનું એ તો કેવી નવાઈ જેવી વાત છે એ તો કેવી નવાઈ જેવી વાત છે

વાદળ વાદળ

વાદળ વાદળ
વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી મોજ પડે અમને રમવાની વાદળ વાદળ વરસો પાણી વીજળી ચમકે વાદળ ગરજે ઝરમર પાણી વરસે મોજ પડે હોડી રમવાની વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી

સોમવાર, 23 જુલાઈ, 2012

બાળગીત

[૧]

આવડા અમથા વાંદરાભાઈને
સિનેમાનો શોખ (૨)
ધોતી પહેરી ઝભ્ભો પહેર્યો (૨)
ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ
આવડા અમથા...
લાકડી લીધી ચશ્મા પહેર્યા (૨)
ચાલી નીકળ્યા આમ,ચાલી નીકળ્યા આમ
આવડા અમથા...
પહેલા નંબરની ટિકિટ કપાવી (૨)
જોવા બેઠા આમ, જોવા બેઠા આમ
આવડા અમથા...
સિનેમામાં તો ધડાકો થયો (૨)
ગભરાઈ ગયા આમ, ગભરાઈ ગયા આમ
આવડા અમથા...
ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા (૨)
ટોપી ફેંકીઆમ, ટોપી ફેંકી આમ
આવડા અમથા...