લેબલ બાળવાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ બાળવાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 24 જુલાઈ, 2012

મા ! મને છમ વડું

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.

બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.

એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.

બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.

બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.

બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.

બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.

બ્રાહ્મણી કહે - સારું.

રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.

માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.

બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને !

પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.

મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.

ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.

બાપા કાગડો

એક હતો વાણિયો. વાણિયાને છ-સાત વરસનો એક છોકરો.

છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો.’

ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’. જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા-કાગડો !’

બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’

છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’ છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા-કાગડો !’

બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો.’ આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો.

બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશા’ ‘ઘેલાશા’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.

ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’

ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’

ઘેલાશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’

ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’ ‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’

તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’ શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’

‘હા, બાપા ! કાગડો-કાગડો-કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે.’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.

ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.
 

ઉદર સાત પુછડિયો

એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.

ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.

નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.

ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!

છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.

ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ ?

ઉંદર કહે - મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.

ઉંદરડી કહે - બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.

માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.

ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.

ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !

ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે - મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.

મા કહે - કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.

આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.

ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !

છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો - હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.

બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.

ઉંદર બાંડો ! ઉંદર બાંડો !

ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.

ઉંદરડી કહે - બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.

ઉંદર રડતા રડતા બોલ્યો - મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે.

મા વિચાર કરીને કહે - જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.

ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.

માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ.

ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !

નાણાનો બદલો

બધા મંત્રીઓમાં બીરબલ અકબરનો માનીતો હતો. બીરબલના શાણપણ અને વિનોદવૃત્તિથી અકબર ખુશ હતો. અકબરનો બીરબલ માટેનો પક્ષપાત બધા મંત્રીઓને ખૂંચતો. અકબરને આ વાતની ખબર હતી. એટલે અકબરે એક દિવસ બધાને બીરબલની હોશિયારી દેખાડવાનું વિચાર્યું. તેણે કહ્યું કે હું પાંચસો રૂપિયા આપીશ. કોઈ પણ મંત્રીએ તે પાંચસો રૂપિયા અહીં પૃથ્વી પર ખરચવા. પછી એ પાંચસો રૂપિયા પૃથ્વીથી ઉપરની જગ્યા માટે ખરચવા. તે પછી પાંચસો ન અહીં માટે વાપરવા ન ત્યાં માટે વાપરવા. છેલ્લે એ પાંચસો રૂપિયા લાવીને મને પાછા આપવા.
બધા મંત્રીઓ એકબીજા સામે જોવા લાગ્યા. કોઈ આ કામ કરવા તૈયાર નહોતું. બીરબલે કામ માટે તૈયારી બતાવી. અકબરે બીરબલને પાંચસો રૂપિયા આપ્યા.
પાંચસો રૂપિયા લઈ બીરબલ શહેરમાં નીકળ્યો. શહેરના મોટા શેઠની દીકરીના લગ્ન ચાલતાં હતાં. બીરબલે મંડપમાં જઈને જાહેર કર્યું કે રાજા અકબરે લગ્નપ્રસંગે શેઠને ત્યાં ચાંદલો કરવા પાંચસો રૂપિયા મોકલાવ્યા છે. શેઠની પ્રતિષ્ઠા બહુ વધી ગઈ. ખુશ થઈને શેઠે રાજા અકબરને સામી વધાઈ ભેટ તરીકે ઘણી બધી ચીજવસ્તુઓ અને ત્રણ ગણા એટલે કે પંદરસો રૂપિયા આપ્યા.
એ બધા રૂપિયામાંથી બીરબલે પાંચસો રૂપિયાનું ખાવાનું મંગાવ્યું અને ગરીબોનાં ભૂખ્યાં છોકરાઓમાં વહેંચ્યું. છોકરાંઓ સંતોષ પામ્યાં.
તે પછી બીરબલ નાચ-ગાન કરનારી બાઈના મુજરામાં ગયો. ખુશ થઈ તેણે નાચ-ગાનની મંડળીને રૂપિયા પાંચસો આપ્યા. બીરબલ દરબારમાં આવ્યો અને અકબરને રૂપિયા પાંચસો પાછા આપ્યા. રાજાએ બીરબલને પૂછયું કે તેણે પાંચસો રૂપિયાનું શું શું કર્યું અને રૂપિયા પાછા કેવી રીતે લાવ્યો ?
બીરબલે જણાવ્યું કે પાંચસો રૂપિયા તેણે શેઠને ત્યાં ચાંદલામાં આપ્યા. તેના બદલામાં મળેલાં ભેટ-સોગાદ અને પંદરસો રૂપિયામાંથી તેણે ગરીબ ભૂખ્યાં છોકરાંઓમાં પાંચસો રૂપિયાનું અન્નદાન કર્યું. પાંચસો રૂપિયા તેણે નાચનારી-ગાનારી પાછળ ખર્ચયા અને વધેલા પાંચસો રૂપિયા તે પાછા લાવ્યો.
શેઠને કરેલો ચાંદલો પૃથ્વી પરનો ખર્ચ હતો. ભૂખ્યાને જમાડ્યા તે પૃથ્વીની ઉપરના સ્વર્ગ માટેનો ખર્ચ. નાચનારીને ત્યાં આપેલાં નાણાં ન અહીંના, ન તહીંના. એટલે કે પૃથ્વી પર કરેલા વ્યાવહારિક ખર્ચનો બદલો અહીં મળે છે, બીજાના સંતોષ માટે કરેલા ખર્ચનો બદલો ઈહલોકમાં નહીં પરલોકમાં મળે છે. મોજ-મજામાં કરેલ ખર્ચનો બદલો નથી અહીં મળતો કે નથી ક્યાંય બીજે મળતો. મંત્રીઓ સમજી ગયા રાજાનો બીરબલ તરફનો પક્ષપાત સકારણ હતો.

શિયાળ નો ન્યાય


એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.

સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’

પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’

પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.

શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’

આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’

પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’

સિંહે કહ્યું, ‘હા.’

શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.

વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.