સોમવાર, 30 જુલાઈ, 2012

નવા અભ્યાસક્રમ ના કાવ્યો-ધોરણ,7

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) 
સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં  ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો  સ્વામી મેં દીઠડો જી રે. સખી…..

રાનમાં  (ધોરણ – ૭, કાવ્ય – ૫)
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે  મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)

માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર આળહનો સરદાર;
 
હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો બળ્યો અવતાર રે…માલમo
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
 
હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે…માલમo
જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
 
હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે…માલમo
કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
 
હે… મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો