બુધવાર, 15 મે, 2013

રક્ષાબંધનનું માહાત્મ્ય

રક્ષાબંધનના તહેવારમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે. વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઇ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઇએ.

ભારત વિશ્વનો એક માત્ર દેશ છે કે જ્યાં ભાઇ-બહેનની પ્રીતના પ્રતીક સમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઇબીજ. શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવે છે. ભાઇ બદલામાં યથાયોગ્ય ભેટ આપીને બહેનને તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આજે પણ ભારતમાં જે કુટુંબવ્યવસ્થા તેમજ કેરિંગ અને શેરિંગ સંસ્કૃતિ છે તેમાં ભાઇ-બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે.

રક્ષાબંધનનો શુભારંભ

પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માંગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળમાં રહેવાનું વરદાન માગેલું. બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે. લક્ષ્મીજી ભગવાન વિના એકલાં પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભાઇ બનાવીને રાખડી બાંધે છે ને બદલામાં ભગવાન વિષ્ણુને બલિરાજા પાસેથી છોડાવે છે. બસ, ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઊજવાય છે.

રક્ષાબંધન સાથે સંકળાયેલી દંતકથાઓ

સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને યુદ્ધના સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું. વેદમાં દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઇન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઇન્દ્રના હાથે રક્ષા બાંધી હતી. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન શિશુપાલનો સુદર્શન ચક્ર દ્વારા વધ કરે છે ત્યારે તેમની તર્જની આંગળીએ ઘા લાગવાથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પટ્ટી બાંધી હતી. શ્રીકૃષ્ણે ઉપકારનો બદલો ચીરહરણ વખતે ચૂકવ્યો હતો. આમ, એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પર્વમાં સમાયેલી છે.

રક્ષાબંધનના ઉત્સવના હાર્દને સમજીએ

રક્ષાબંધનનું આ પર્વ ઊજવતાં પહેલાં એના હાર્દને સમજવું અતિ આવશ્યક છે. રક્ષાબંધન શબ્દમાં મુખ્ય બે શબ્દો આવેલા છે એક રક્ષા અને બીજો બંધન. ‘રક્ષા’નો અર્થ રક્ષણ કરવું એવો થાય. રક્ષાબંધનને દિવસે ભાઇ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે, પરંતુ શું માત્ર બહેનને જ રક્ષણની જરૂર છે ભાઇને નહીં? જો ભાઇ ત્રણ વર્ષનો હોય અને બહેન પંદર વર્ષની હોય તો આ નાનો ભાઇ મોટી બહેનની કેવી રીતે રક્ષા કરી શકે? વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઇ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઇએ. જે રીતે બહેન ભાઇને રાખડી બાંધે છે એ જ રીતે પત્ની પતિને, પુત્રી પિતાને, માતા પુત્રોને, પ્રેયસી પ્રેમીને રક્ષાસૂત્ર બાંધીને રક્ષણનું વચન લઇ શકે છે. માત્ર પુરુષો જ સ્ત્રીઓનું રક્ષણ કરી શકે છે એવું નથી. સ્ત્રીઓમાં પણ પુરુષોનું રક્ષણ કરવાની ક્ષમતા છે.

સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય

આજે કમનસીબે નિદોર્ષ યુવતીઓ પર શારીરિક છેડછાડ, બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે. સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય છે. રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે. દેશની દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ.

યજ્ઞોપવીત બદલવાનું પર્વ

બ્રાહ્નણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવીત ધારણ કરતાં બ્રહ્ના, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત ગણપતિ પૂજન કરી, યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આવાહ્ન કરી, યજ્ઞોપવીત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરે છે અને જુની યજ્ઞોપવીતને જળમાં પધરાવે છે.

જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પ્રતીક સમાન છે. આ બ્રહ્નગાંઠની અંદર બ્રહ્ના, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.

સાગર પૂજનનું મહત્વ

પશ્ચિમ ભારતના સમુદ્રતટીય પ્રદેશોમાં આ પર્વ નાળિયેરી પૂર્ણિમાના સ્વરૂપે મનાવવામાં આવે છે. આ દિવસે સાગર સાથે જોડાયેલા માછીમારો, વેપારીઓ, ખારવાઓ તથા લોહાણા પરિવાર દરિયાલાલને પોતાના દેવ માનીને વિધિવત્ વાજતે-ગાજતે એક નાળિયેર જળના દેવને અર્પણ કરે છે. સમુદ્રદેવ પોતાના ભક્તોનું રક્ષણ કરે અને ક્યારેય પોતાના પર કોપાયમાન ન થાય તેવી ભાવના વ્યક્ત કરાય છે. ત્રણ તહેવારોના એક જ દિવસે થતા આ ત્રિવેણી સંગમને પાપનાશક, પુણ્યદાયક અને વિષતોડક તરીકે નવાજવામાં આવે છે.

રક્ષાબંધનનું માહાત્મ્ય

આ દિવસે સ્નાનાદિથી નિવૃત્ત થઇને બહેનો પૂજાની થાળી સજાવે છે. થાળીમાં કુમકુમ, અક્ષત, હળદર, દીવો, ફૂલ, મીઠાઇ, પૈસા અને આરતી હોય છે. સૌ પહેલા બહેન ઇષ્ટ દેવનું પૂજન કરીને શુભ મુહૂર્તમાં ભાઇના ભાલપ્રદેશની મધ્યમાં કુમકુમ તિલક કરી અક્ષત લગાડીને ભાઇનું મુખ મીઠું કરાવે છે ત્યારબાદ ભાઇની આરતી ઉતારીને જમણા કાંડે રાખડી બાંધવામાં આવે છે અને પોતાના ભાઇ પરથી પૈસા વારીને ગરીબોને આપે છે. ભાઇ બહેનને યશાશક્તિ ભેટ આપે છે અને રક્ષાબંધનનું અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન કરવામાં આવે છે.

શુભ મુહૂર્ત

આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે બપોરના ૧૨.૦૪ સુધી ભાદ્રા-વિષ્ટિ યોગ હોવાથી રક્ષાબંધન કે જનોઇ પરિવર્તન થઇ શકશે નહીં, પરંતુ ભાદ્રા રહિતના સમયમાં એટલે કે બપોરે ૧૨.૦૪ના સમય બાદ કે ૧૨.૩૯નું વિજય મુહૂર્ત રક્ષાબંધન કે જનોઇ પરિવર્તન માટે શ્રેષ્ઠ ગણાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો